નેપાળમાં અચાનક આવેલા વિનાશક પૂર બાદ સ્થિતિ ગંભીર બની છે. પૂરથી અનેક વિસ્તારોમાં સંપર્ક અને પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. આ દરમિયાન નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકોને લઈને ભારતના વિદેશ મંત્રાલયે મહત્વની માહિતી જાહેર કરી છે.
નવી દિલ્હીમાં યોજાયેલી પ્રેસ બ્રીફિંગમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે આશરે 288 ભારતીય નાગરિકો સાથે હાલમાં સંપર્ક થઈ શક્યો નથી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગુરુવારે બપોરે 1 વાગ્યા સુધીમાં તમિલનાડુના 21 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. સાથે ભારત સરકાર નેપાળના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને રાહત તથા બચાવ કામગીરી પર નજર રાખી રહી છે.
288 ભારતીયો ક્યાં ફસાયા છે?
સંપર્કવિહોણા ભારતીય નાગરિકોને અલગ-અલગ જૂથોમાં વહેંચવામાં આવ્યા છે.
ત્રિશૂલી-1 પાવર પ્રોજેક્ટ:
નેપાળના ત્રિશૂલી-1 પાવર પ્રોજેક્ટમાં કામ કરી રહેલા 73 ભારતીય કર્મચારીઓ આ યાદીમાં સામેલ છે. ભારતનું વિદેશ મંત્રાલય પ્રોજેક્ટના અધિકારીઓ સાથે સંપર્કમાં છે.
તમિલનાડુના યાત્રાળુઓ:
કૈલાશ માનસરોવર યાત્રા માટે ગયેલા તમિલનાડુના બે જૂથોમાં અનુક્રમે 37 અને 49 લોકો હોવાનું જણાવાયું છે.
પશ્ચિમ બંગાળના નાગરિકો:
સમ્રાટ ટ્રાવેલ્સ મારફતે ગયેલા 32 નાગરિકો હાલ રસુવા જિલ્લાના તિમુરે વિસ્તારમાં હોવાનું જણાવાયું છે.
વિવિધ રાજ્યોના નાગરિકો:
રીચા ટુર્સ મારફતે ગયેલા વિવિધ રાજ્યોના 61 ભારતીય નાગરિકો પણ સંપર્કવિહોણા જૂથમાં સામેલ છે. આ ઉપરાંત કેરળના નાગરિકોનું એક જૂથ પણ અસરગ્રસ્ત વિસ્તારમાં હોવાનું જણાવાયું છે.
ચીનમાં પણ 200 ભારતીય યાત્રાળુઓ ફસાયા
નેપાળ ઉપરાંત કૈલાશ માનસરોવર યાત્રા માટે ગયેલા આશરે 200 ભારતીય નાગરિકો ચીન તરફના વિસ્તારમાં અટવાયા હોવાની માહિતી પણ સામે આવી છે.અને તેમણે ભારત સરકાર પાસે મદદ માંગી છે. બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસ ચીનના અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે પ્રયત્નો કરી રહ્યું છે.
ભારતે નેપાળને મદદનો હાથ લંબાવ્યો
નેપાળની ગંભીર સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન સાથે વાત કરીને જાનહાનિ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. ભારતે નેપાળને જરૂરી માનવતાવાદી સહાય અને રાહત સામગ્રી પૂરી પાડવાની ખાતરી આપી છે. બંને દેશોના અધિકારીઓ વચ્ચે સતત સંકલન ચાલી રહ્યું છે.
ભયંકર પૂર બાદ નેપાળમાં બચાવ કામગીરી હજુ ચાલુ છે અને ભારત સરકાર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.














