R Ashwin Statement On Rohit Sharma And Virat Kohli : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી વન-ડે સીરિઝ બાદ ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃતિને લઇને અફવાઓનું બજાર ગરમ છે. લોર્ડ્સમાં રમાયેલી મેચ પહેલા અને પછી આ વાતો એટલી વાયરલ થઈ કે ચાહકો પણ ચિંતામાં મુકાઈ ગયા. પરંતુ હવે, ભારતીય ટીમના સ્ટાર ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિને આ મુદ્દે એક મોટો ખુલાસો કરીને તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
આર અશ્વિને વિરાટ રોહિતના સંન્યાસ પર શું કહ્યું?
આર. અશ્વિને તેના સત્તાવાર પ્લેટફોર્મ પરથી ખુલીને આ મુદ્દે વાત કરતા સ્પષ્ટ કર્યું કે, અશ્વિને રોહિત શર્મા અને વિરાટ કોહલીના સંન્યાસના સમાચારોને તદ્દન પાયા વિહોણા ગણાવ્યા છે. તેણે સ્પષ્ટ કર્યું કે આ બધી માત્ર ઉપજાવી કાઢેલી અને પાયાવિહોણી વાતો છે. અશ્વિને કહ્યું કે, “જ્યારે પણ ટીમ કોઈ મોટી સીરિઝ હારે છે ત્યારે આ પ્રકારની વાતો સોશિયલ મીડિયા પર શરૂ થઈ જતી હોય છે. રોહિત અને વિરાટ બંને હાલમાં શાનદાર ફોર્મમાં છે અને ટીમ ઇન્ડિયાના સૌથી મજબૂત સ્તંભ છે. ડ્રેસિંગ રૂમમાં કે ખેલાડીઓ વચ્ચે તેમની નિવૃત્તિને લઈને દૂર-દૂર સુધી કોઈ જ વાતચીત થઈ નથી. આ બધી માત્ર મીડિયા દ્વારા ઊભી કરવામાં આવેલી અફવાઓ છે.”
મેદાન પર બંને દિગ્ગજોએ આપ્યો જડબાતોડ જવાબ
જે લોકો આ દિગ્ગજોના ફોર્મ પર સવાલ ઉઠાવી રહ્યા હતા, તેમને લોર્ડ્સ વન-ડેમાં જડબાતોડ જવાબ મળી ગયો છે. લોર્ડ્સ વન-ડે મેચમાં ભલે ભારતીય ટીમ 388 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા 27 રનથી મેચ હારી ગઈ, પરંતુ આ બંને દિગ્ગજો ખેલાડીઓએ મેદાન પર શાનદાર બેટિંગ કરીને સાબિત કરી દીધું કે તેમનામાં હજુ ઘણું ક્રિકેટ બાકી છે. રોહિત શર્માએ ટીકાકારોને શાંત કરતા રોહિતે માત્ર 110 બોલમાં 17 ચોગ્ગા અને 5 ગગનચુંબી છગ્ગાની મદદથી 138 રનની ઐતિહાસિક સદી ફટકારી હતી. જયારે વિરાટ કોહલીએ પણ પોતાનું શાનદાર ફોર્મ બતાવતા આક્રમક અંદાજમાં માત્ર 60 બોલમાં 74 રન ઝૂડી કાઢ્યા હતા.આ મેચમાં બંને દિગ્ગજો વચ્ચે બીજી વિકેટ માટે 113 રનની અત્યંત મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાઈ હતી.
કેપ્ટન ગિલ અને BCCI પણ કરી ચૂક્યા છે સ્પષ્ટતા
અશ્વિન પહેલાં ટીમ ઇન્ડિયાના યુવા વન-ડે કેપ્ટન શુભમન ગિલે પણ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોના સવાલોના જવાબ આપતા સાફ કર્યું હતું કે, રોહિત ભાઈએ નિવૃત્તિ અંગે ટીમમાં કોઈ જ વાત કરી નથી. એટલું જ નહીં, બીસીસીઆઈ(BCCI Statement on Rohit Virat Retirement) ના સેક્રેટરી દેવજીત સૈકિયા અને વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લા પણ સત્તાવાર નિવેદન આપી ચૂક્યા છે કે આ બંને ખેલાડીઓ બોર્ડની ભવિષ્યની યોજનાઓનો અત્યંત મહત્ત્વનો હિસ્સો છે. ટૂંકમાં કહીએ તો, આર. અશ્વિનના આ ખુલાસા બાદ તેમના સંન્યાસ અંગે ચાલી રહેલા સસ્પેન્સનો સત્તાવાર રીતે અંત આવી ગયો છે.
આ પણ વાંચો : શેલા-ઘુમા બાદ હવે ચાંદખેડામાં દીપડો દેખાયો હોવાનો દાવો

