દેશના અનેક રાજ્યોમાં જ્યારે કુદરતી આફતોનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે બોલિવૂડના ‘રિયલ લાઈફ હીરો’ સોનુ સૂદ ફરી એકવાર બનીને સામે આવ્યા છે. કોરોનાકાળમાં લોકોના મસીહા બનેલા અભિનેતા સોનુ સૂદે પંજાબમાં આવેલા ભીષણ પૂરથી પ્રભાવિત પરિવારો માટે મોટી મદદનો હાથ લંબાવ્યો છે.
‘છત આપણી જવાબદારી છે’ અભિયાન
સોનુ સૂદ અને તેમની બહેન માલવિકા સૂદ દ્વારા છત આપણી જવાબદારી છે(Chhat Aapki Zimmedari Hamari) નામની એક વિશેષ સામાજિક પહેલ શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય તે પરિવારોને ફરીથી બેઠા કરવાનો છે, જેમણે પૂરના કારણે પોતાના માટીના કાચા મકાનો અને છત ગુમાવી દીધી હતી.
180 પરિવારોને મળ્યું પાકું ઘર
સોનુ સૂદની ટીમે પંજાબના પૂર પ્રભાવિત(Punjab Flood Relief) વિસ્તારોમાં જઈને આવા જરૂરિયાતમંદ પરિવારોની ઓળખ કરી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 257 પરિવારો માટે પાકા મકાનો બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જેમાંથી અત્યાર સુધીમાં 180 જરૂરિયાતમંદ પરિવારોને નવા પાકા મકાનો સોંપી દેવામાં આવ્યા છે. બાકીના મકાનોનું નિર્માણ કાર્ય પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, જે આગામી થોડા મહિનાઓમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
“ઘર માત્ર દીવાલોથી નથી બનતા, પ્રાર્થનાઓથી બને છે”
આ સામાજિક કાર્ય અંગે વાત કરતા સોનુ સૂદે જણાવ્યું કે, “જ્યારે પૂર આવ્યું ત્યારે ઘણા પરિવારોએ પોતાના ઘર ગુમાવ્યા હતા. માલવિકા અને અમારી ‘સૂદ ચેરિટી ફાઉન્ડેશન’ની ટીમે ઘરે-ઘરે જઈને લોકોની મુશ્કેલીઓ સમજી. જ્યારે કોઈ પરિવારને પોતાના નવા ઘરમાં છત જોવા મળે છે, ત્યારે તેમને લાગે છે કે કોઈ તેમની સાથે ઉભું છે. અમે ફક્ત દીવાલો બનાવી છે, આ ઘર તેમની પ્રાર્થનાઓથી બન્યા છે.”
સોનુ સૂદ અને તેમની બહેનનું આ સેવાકીય કાર્ય ફરી એકવાર લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યું છે. જરૂરિયાતમંદોના આંસુ લૂછવા માટે તેમની આ સતત કટિબદ્ધતા સોશિયલ મીડિયા પર પણ ખૂબ વખણાઈ રહી છે.
આ પણ વાંચો : આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, સુરત-રાજકોટમાં રેડ એલર્ટ

