CNG Price Hike Gujarat : અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં CNG વાહન ચાલકો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર આવ્યા છે. અદાણી ગેસે CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ.4નો વધારો કર્યો છે. આ વધારા બાદ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)નો નવો ભાવ રૂ. 94.02 પ્રતિ કિલો થયો છે. આ પેહલા તેનો ભાવ રૂ. 90.02 પ્રતિ કિલો હતો. આ ભાવવધારાની અસર રોજિંદી મુસાફરી માટે CNG વાહનનો ઉપયોગ કરતા લોકો, ઓટોરિક્ષા ચાલકો, ટેક્સી અને કેબ ડ્રાઇવરો તેમજ નાના વેપારીઓ પર પડી શકે છે.
ઓટોરિક્ષા અને કેબ ચાલકો પર સીધી અસર
આ ભાવ વધારાથી અસર ઓટોરિક્ષા, ટેક્સી અને કેબ ડ્રાઇવરોની કમાણી થશે. આ ઉપરાંત ગુજરાતના શહેરોમાં હજારો પરિવારો CNG કાર અથવા દ્વિ-ઇંધણ વાહનોનો ઉપયોગ કરે છે. CNGના વધેલા ભાવને કારણે માસિક ઘરખર્ચનું આયોજન ફરીથી કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જો પરિવાર દર મહિને 40થી 60 કિલો CNGનો ઉપયોગ કરતો હોય તો માત્ર આ ભાવવધારાને કારણે માસિક ખર્ચમાં નોંધપાત્ર વધારો થશે.
સામાન્ય પરિવારો પર શું પડશે અસર?
પેટ્રોલ, ડીઝલ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવ વચ્ચે હવે CNG પણ મોંઘી બનતાં પરિવહન ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. તેની અસર વ્યક્તિગત વાહનચાલકો ઉપરાંત વ્યાવસાયિક પરિવહન અને નાના ધંધાઓ પર પણ પડી શકે છે.

પરિવહન અને નાના ધંધાઓ પણ પ્રભાવિત થશે
CNGના વધેલા ભાવની અસર માત્ર વ્યક્તિગત વાહનચાલકો સુધી સીમિત નહીં રહે. માલસામાનની ડિલિવરી, સ્થાનિક પરિવહન, સ્કૂલ વાહનો અને નાના વ્યવસાયોમાં ઉપયોગમાં લેવાતા CNG વાહનોનો ખર્ચ પણ વધશે. પરિવહન ખર્ચ વધે તો તેની અસર વસ્તુઓ અને સેવાઓના ભાવ પર પણ પડી શકે છે. નાના વેપારીઓને વધેલો ખર્ચ ગ્રાહકો પાસેથી વસૂલવાની ફરજ પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
આ પણ વાંચો : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો










