વોટ્સએપ(WhatsApp) યુઝર્સ માટે પ્રાઇવસી વધારતું નવું યુઝરનેમ ફીચર ચર્ચામાં છે. આ ફીચર દ્વારા યુઝર્સ મોબાઈલ નંબર શેર કર્યા વગર પણ અન્ય લોકો સાથે ચેટ કરી શકશે. કંપનીનો દાવો છે કે આ બદલાવથી યુઝર્સને પોતાની વ્યક્તિગત માહિતી પર વધુ કંટ્રોલ મળશે. પરંતુ ભારતમાં આ ફીચરને લઈને સરકાર અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે.
સરકાર કેમ કરી રહી છે તપાસ?
ભારત સરકાર વોટ્સએપ(WhatsApp)ના નવા યુઝરનેમ ફીચરના સુરક્ષા પાસાઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે. સરકારને આશંકા છે કે મોબાઈલ નંબર વગર માત્ર યુઝરનેમથી સંપર્ક કરવાની સુવિધાનો ઉપયોગ સાયબર ગુનેગારો ખોટી ઓળખ બનાવવા માટે કરી શકે છે. જો તપાસમાં કોઈ મોટી સુરક્ષા ખામી સામે આવે, તો સરકાર Metaને નોટિસ પાઠવી શકે છે.
Telegram જેવી સમસ્યા ઊભી થવાની ચિંતા
અધિકારીઓની ચિંતા એ છે કે ટેલિગ્રામ(Telegram) જેવા પ્લેટફોર્મ પર ભૂતકાળમાં ફેક આઈડી, impersonation અને cyber fraudના મામલા જોવા મળ્યા છે. હવે વોટ્સએપમાં પણ યુઝરનેમ આધારિત ચેટિંગ શરૂ થશે, તો કોઈ વ્યક્તિ જાણીતા લોકો, સેલિબ્રિટી, બિઝનેસ બ્રાન્ડ અથવા સરકારી નામો જેવા યુઝરનેમ બનાવીને સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરી શકે છે.
WhatsApp Username Feature કેવી રીતે કામ કરશે?
આ ફીચર હેઠળ યુઝર્સ પોતાના મોબાઈલ નંબરની જગ્યાએ એક યુનિક યુઝરનેમ બનાવી શકશે. ત્યારબાદ કોઈ વ્યક્તિ પાસે તમારો મોબાઈલ નંબર ન હોય તો પણ તે તમારા યુઝરનેમ દ્વારા તમને સંપર્ક કરી શકશે. આ ફીચર ખાસ કરીને એવા યુઝર્સ માટે ઉપયોગી બની શકે છે, જેઓ કેબ ડ્રાઈવર, ડિલિવરી બોય, બિઝનેસ કોન્ટેક્ટ અથવા અજાણ્યા લોકો સાથે નંબર શેર કરવા માંગતા નથી.
પ્રાઇવસી માટે મોટો ફાયદો
વોટ્સએપનું આ ફીચર પ્રાઇવસી માટે મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી વોટ્સએપ પર કોઈને મેસેજ કરવા માટે મોબાઈલ નંબર જરૂરી હતો. આ કારણે ઘણીવાર અજાણ્યા લોકો પાસે પર્સનલ નંબર પહોંચી જતો હતો. ખાસ કરીને મહિલાઓ માટે આ મોટી ચિંતા હતી. યુઝરનેમ ફીચર આવ્યા બાદ નંબર છુપાવીને પણ વાતચીત શક્ય બનશે.
સાયબર ફ્રોડનો ખતરો કેમ વધી શકે?
પ્રાઇવસી સાથે આ ફીચર કેટલાક જોખમો પણ લાવી શકે છે. સ્કેમર્સ ફેક યુઝરનેમ બનાવીને બેંક, કુરિયર કંપની, સરકારી અધિકારી, સેલિબ્રિટી અથવા જાણીતા વ્યક્તિ તરીકે લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી શકે છે. આવી ખોટી ઓળખ દ્વારા OTP, પેમેન્ટ, લિંક અથવા વ્યક્તિગત માહિતી મેળવીને છેતરપિંડી થવાની શક્યતા વધે છે.
WhatsAppના સુરક્ષા ઉપાયો
વોટ્સએપ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે દરેક યુઝરનેમ યુનિક રહેશે, એટલે એક જ નામ અનેક લોકો વાપરી શકશે નહીં. હાઈ-પ્રોફાઈલ નામો, સેલિબ્રિટી અને મહત્વની સંસ્થાઓના નામનો ગેરઉપયોગ ન થાય તે માટે કંપની ખાસ કાળજી લઈ રહી છે. આ ઉપરાંત વોટ્સએપ કોઈ જાહેર યુઝરનેમ ડિરેક્ટરી બનાવશે નહીં, એટલે કોઈ વ્યક્તિને તમારું યુઝરનેમ પહેલેથી ખબર ન હોય તો તે તમને સરળતાથી શોધી નહીં શકે.
યુઝર્સે શું સાવચેતી રાખવી?
યુઝરનેમ ફીચર આવ્યા બાદ યુઝર્સે અજાણી વ્યક્તિની ઓળખ પર તરત વિશ્વાસ ન કરવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ પોતાને બેંક, કંપની, સરકારી વિભાગ કે જાણીતી વ્યક્તિ તરીકે ઓળખાવે તો પહેલા તેની સત્તાવાર રીતે ચકાસણી કરવી જરૂરી છે. અજાણી લિંક, OTP, UPI request અથવા પેમેન્ટ સંબંધિત મેસેજથી ખાસ સાવચેત રહેવું જોઈએ.
પ્રાઇવસી અને સુરક્ષા વચ્ચે સંતુલન જરૂરી
વોટ્સએપનું યુઝરનેમ ફીચર યુઝર્સ માટે પ્રાઇવસીની દિશામાં મોટું અપડેટ છે, પરંતુ તેની સાથે સુરક્ષાના પડકારો પણ જોડાયેલા છે. હવે સરકારની તપાસ અને Metaના સુરક્ષા પગલાં નક્કી કરશે કે આ ફીચર ભારતમાં કેવી રીતે અને ક્યારે સુરક્ષિત રીતે અમલમાં આવે છે.

