અમેરિકાના ન્યૂયોર્કમાં ટ્વીન ટાવર્સ પર 9/11 ના દિવસે ભયાનક આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. જેને આજે 25 વર્ષ જેટલો અઢી દાયકાનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે. આ આતંકવાદી હુમલામાં હજારો લોકોએ જાન ગુમાવી હતી, તેમને ડ્રોન શો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ હતી.
2977 ડ્રોનના ઉપયોગથી ટ્વીન ટાવરની કલાકૃતિ બનાવી
ન્યૂયોર્ક હાર્બર ખાતે આકાશમાં 2977 ડ્રોનની મદદથી ટ્વીન ટાવરનો આકાર બનાવવામાં આવ્યો, જેના કારણે લોકોએ ફરીથી ન્યૂયોર્કમાં ટ્વીન ટાવર્સ નિહાળ્યા. મૃતકોની સંખ્યા બરાબર 2977 ડ્રોનનો ઉપયોગ કરીને ટ્વીન ટાવરનો આકાર બનાવાયો. પીડિત પરિવારો અને બચાવ દળના કર્મચારીઓને પણ આ શોમાં ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનો હેતુ માત્ર મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો નહીં પરંતુ બચાવકાર્ય, એકતા, માનવતા અને સેવાની ગાથાને પણ યાદ કરવાનો છે.
અલ-કાયદાના આતંકવાદીઓએ વિમાનનું અપહરણ કરીને હુમલો કર્યો હતો
25 વર્ષ પહેલા ટ્વીન ટાવર્સ અમેરિકાના ન્યૂયોર્ક શહેરની ઓળખાણ હતુ, 11 સપ્ટેમ્બર 2001ના રોજ અલ-કાયદાના આતંકવાદીઓએ ચાર કોમર્શિયલ વિમાનોનું અપહરણ કર્યું હતું. તેમાંથી બે વિમાનો ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર્સ સાથે અથડાયા હતા, એક વિમાન પેન્ટાગોન સાથે અથડાયું હતું, જ્યારે યુનાઇટેડ એરલાઇન્સ ફ્લાઇટ 93 પેન્સિલવેનિયામાં ક્રેશ થઈ હતી.













