MT EI Gaia નામના જહાજ પર ઓમાનના દરિયાકાંઠે હુમલો થતાં ભારતે સખત વિરોધ વ્યક્ત કર્યો છે. કમર્શિયલ જહાજ પર હુમલાની ઘટનાને ભારતે વખોડી કાઢી છે. કમર્શિયલ જહાજમાં 14 ક્રુ સવાર હતા, જેમાંથી 13 ને બચાવી લેવામાં આવ્યા છે અને 1 ની શોધખોળ ચાલુ છે.
વિદેશ મંત્રાલય હુમલાની ઘટના બાદ આવ્યુ હરકતમાં
કમર્શિયલ જહાજો પર હુમલાની ઘટનાને ભારતે સખત શબ્દોમાં વખોડી કાઢી છે. ક્ષેત્રમાં તનાવપૂર્ણ વાતાવરણ ઓછું કરવાની વાત કરી છે. શાંતિ સ્થાપિત કરવા માટે કૂટનીતિક અને વાતચીતનો રસ્તો અપનાવવાનું વલણ રાખવાનું ભારતે સુનિશ્ચિત કર્યુ છે. કમર્શિયલ જહાજો, ભારતીય નાગરિકો, નેવી કર્મચારીઓ પર હુમલાની ઘટના સાંખી લેવામાં નહી આવે તેવુ ભારતે સ્પષ્ટ કર્યુ છે.
ભારતે જહાજોને સુરક્ષા માટે માંગ કરી
આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પરથી પસાર થતાં જહાજો માટે ભારતે સુરક્ષાની માંગ કરી છે. જહાજો પર કોઈ પ્રકારનો હુમલો ન થાય અને જહાજો સુરક્ષિત પસાર થઈ શકે તે વ્યવસ્થા સ્થાપિત કરવાની ભારતની માંગ છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ કરીને અલગ-અલગ દેશો સુધી વિવિધ પ્રકારના સામાનની આયાત-નિકાસ કરવામાં આવે છે. ત્યારે આ પ્રકારના હુમલા ગંભીર ઘટના છે. ભવિષ્યમાં આવા પ્રકારના હુમલા વેપાર પર અસર પાડી શકે છે.
આ પહેલા પણ ભારતીય જહાજ પર થયો હતો હુમલો
ભારતીય કમર્શિયલ જહાજ MSV ફેઝે નૂરે ઓલિયા પર યમન નજીક લાલ સાગરમાં હુમલાની અગાઉ ઘટના બની હતી. જેમાં સવાર તમામ 13 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. હુમલા બાદ લાલ સાગરમાં આ જહાજ 4 ઓગસ્ટના રોજ ડૂબી ગયુ હતુ.














