Tiger Shroff Shooting Investigation: ગત રવિવારે મુંબઈમાં અભિનેતા ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કરવાના કેસમાં આરોપીઓ ઝડપાયા બાદ મોટો ઘટસ્ફોટ થયો છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ટાઈગર શ્રોફ નહી, પરંતુ અન્ય કલાકાર હોવાનો ખુલાસો થયો છે. આરોપીઓ મુંબઈમાં મોટા ગજાના કલાકારની હત્યા કરવા આવ્યા હતા, જેમાં તેમને સફળતા મળી ન હતી, એટલે બાદમાં આરોપીઓએ ટાઈગર પર ફાયરિંગ કર્યુ. આરોપીઓ સાથે એક ચોથો યુવક પણ હતો, પરંતુ હુમલાની એક રાત પહેલાં સિગારેટ પીવાના બહાને તે હોટલમાંથી ભાગી ગયો હતો.
આરોપીઓએ સોશિયલ મીડિયા થકી રેકી કરી
ટાઈગર શ્રોફ પર હુમલા કેસમાં એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે, આરોપીઓએ ટાઈગર પર હુમલો કરતા પહેલા તેની રેકી પણ કરી હતી. ટાઈગર કેટલા વાગ્યે ક્યાં જાય છે અથવા તેમની સાથે કઈ કાર લઈને જાય છે કે કેટલા સુરક્ષાકર્મીઓ હોય છે તેની સુદ્ધાં માહિતી શૂટર્સે મેળવી હતી અને તે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી. ચોંકાવનારી વાત તો એ છે કે આરોપીઓ ટાઈગરના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ દ્વારા આ બધી માહિતી મેળવતા હતા, ટાઈગર દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વીડિયો અને રીલ દ્વારા હુમલાખોરોએ નિશાન બનાવ્યા. આરોપીઓએ ટાઈગર પોતાની સાથે સુરક્ષાકર્મી ન રાખતા હોવાની માહિતી રીલ થકી જ મેળવી હતી.
બોલીવુડમાં ભય ફેલાવવા કાવતરું
આરોપીઓએ ટાઈગર શ્રોફ પર હુમલો કરી દેતા બોલીવુડ કલાકારો ભયમાં જીવી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે બોલીવુડમાં ડર ઉત્પન્ન કરવા માટે ટાઈગર શ્રોફની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યુ હતુ. આરોપીઓના નિશાને કઈ સેલિબ્રિટી હતી તે અંગે હજુ સુધી માહિતી મળી શકી નથી.
હુમલાનો આરોપી ગિલ્બર્ટ હિલમાં રહેતો હતો
પોલીસ તપાસમાં આરોપી ઋત્વિક મુંબઈમાં ભાડાના મકાનમાં જ રહેતો હોવાનો ખુલાસો પણ થયો છે. ફાયરિંગ કરનાર આરોપી ઋત્વિક ગિલ્બર્ટ હિલમાં ભાડાના મકાનમાં રહેતો હતો, તેની સાથે અન્ય 2 યુવકો રેહાન અને ફૂલ સિંહ જ રહેતા હતા. તો બીજી તરફ આ કેસમાં દિલ્હી પોલીસે 2 મહિલા સહિત ચારની ધરપકડ કરી છે. તેમણે શૂટરોને હથિયાર સપ્લાય કર્યા હોવાનો આરોપ છે.
મહારાષ્ટ્ર સરકારના મંત્રી આશિષ સેલારે કરી મુલાકાત
ભાજપના નેતા આશિષ શેલારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુલાકાતની તસવીરો શેર કરતાં જણાવ્યું કે જુહૂમાં થયેલી દુર્ભાગ્યપૂર્ણ ગોળીબારી બાદ તેમણે ટાઇગર સાથે મુલાકાત કરી. શેલારે લખ્યું કે આપણા સમાજમાં આ પ્રકારની હિંસક ઘટનાઓ માટે કોઈ સ્થાન નથી. તેમણે અભિનેતા જલ્દી સંપૂર્ણ સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી.












