ઈરાનના દિવંગત સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના જનાજા દરમિયાન તેહરાનમાં વિશાળ શોકસભામાં ભારે તંગદિલી ભર્યો માહોલ થઇ ગયો હતો. મંચ પરથી એક સમર્થકે ખુલ્લેઆમ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જાનથી મારી નાખવાની અપીલ કરી હતી. આ નારો ગૂંજતાની સાથે જ જનાજામાં હાજર લાખોની ભીડે બૂમો પાડીને તેનું સમર્થન કર્યું હતું.
‘દુનિયાનો સૌથી ખરાબ માણસ હજુ સુધી જીવતો કેમ છે?’
ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલામાં 86 વર્ષીય આયતુલ્લા અલી ખામેનેઈ માર્યા ગયા હતા, જેના પછી ઈરાન યુદ્ધની શરૂઆત થઈ હતી. મોહમ્મદ રસૂલી નામના એક કવિએ જનાજા દરમિયાન મંચ પરથી ભીડ પાસે ‘અમેરિકા મુર્દાબાદ’ અને ‘ઇઝરાયલ મુર્દાબાદ’ ના પરંપરાગત નારા લગાવડાવ્યા, ત્યારબાદ રસૂલીએ ટ્રમ્પને લઈને આક્રમક ટિપ્પણી કરતા પૂછ્યું કે, “દુનિયાનો સૌથી ખરાબ માણસ અત્યાર સુધી જીવતો કેમ છે?”
નવા સુપ્રીમ લીડરનું શક્તિ પ્રદર્શન અને શાંતિ વાટાઘાટો
ખામેનેઈના મોત બાદ ઈરાનના શાસકો માટે આ જનાજો એક મોટું શક્તિ પ્રદર્શન બની ગયો છે. આના માધ્યમથી દેશના નવા સુપ્રીમ લીડર આયતુલ્લા મુજતબા ખામેનેઈ માટે જનસમર્થન મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ બધું એવા નાજુક સમયે થઈ રહ્યું છે. જ્યારે ઈરાન, યુદ્ધને કાયમ માટે રોકવા માટે વૉશિંગ્ટન સાથે પરદા પાછળ વાતચીતની ટેબલ પર બેઠું છે. ઈરાન આ વાતચીતમાં હોર્મુઝની સામુદ્રધુની પર પોતાના વ્યૂહાત્મક દબદબાનો ઉપયોગ કરીને અમેરિકા પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે, ઈરાનની અંદર હજુ પણ એવો ડર છે કે ઇઝરાયલ ગમે ત્યારે ફરી સૈન્ય કાર્યવાહી કરી શકે છે, જેથી શાંતિ કરારની આશાઓ અધ્ધરતાલ લટકેલી છે.
બીજી તરફ ટ્રમ્પનો ઈરાન પર તીખો કટાક્ષ
બીજી તરફ, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાન પર કટાક્ષ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે અમેરિકા ઈરાન અને અન્ય વિરોધી દેશોની સૈન્ય શક્તિ સામે કડક રીતે ઊભું રહ્યું છે. આ નિવેદન બાદ બંને દેશો વચ્ચે તણાવ વધુ વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
આ સમગ્ર ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે પરદા પાછળ શાંતિ વાટાઘાટો ચાલી રહી હોવાની ચર્ચા છે. જોકે, ઈરાનની અંદર હજુ પણ ઇઝરાયલ તરફથી નવી સૈન્ય કાર્યવાહીનો ભય યથાવત છે. આવી સ્થિતિમાં મધ્યપૂર્વમાં શાંતિના પ્રયાસો પર ફરી અનિશ્ચિતતા છવાઈ ગઈ છે.
આ પણ વાંચો : અયોધ્યા બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીના આરોપ, CCTV ફૂટેજને લઈને ઉઠ્યા સવાલ

