પવિત્ર શ્રાવણ માસના સોમવારે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં ભક્તોની ભારે ભીડ વચ્ચે અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી. વર્ષમાં માત્ર એક જ દિવસ ખુલતા નાગચંદ્રેશ્વર મંદિરના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા પરંતુ ભારે ભીડ વચ્ચે અચાનક નાસભાગ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનામાં અમુક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
બેરિકેડિંગ પાસે ભીડનું દબાણ વધ્યું
શ્રાવણના સોમવારે ભગવાન મહાકાલ અને નાગચંદ્રેશ્વર મહાદેવના દર્શન માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો હતો.
મંદિર પરિસર નજીક હરસિદ્ધિ માતાના મંદિર સામે આવેલા બેરિકેડિંગ વિસ્તારમાં અચાનક ભીડનું દબાણ વધી ગયું હતું. લોકો આગળ વધવાનો પ્રયાસ કરતા ધક્કામુક્કી જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભીડ વધતાં કેટલાક શ્રદ્ધાળુઓને ગૂંગળામણની ફરિયાદ થઈ હતી અને કેટલાક લોકો નીચે પડી ગયા હતા.

અનેક શ્રદ્ધાળુઓ બેભાન થયા
ભીડમાં અચાનક દબાણ વધતાં અનેક શ્રદ્ધાળુઓની તબિયત લથડી હતી. કેટલાક લોકો ગૂંગળામણના કારણે બેભાન થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાસ્થળે હાજર સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક લોકોને ભીડમાંથી બહાર કાઢ્યા હતા. પરિવારજનો અને અન્ય ભક્તોએ પણ લોકોને મદદ કરી હતી. ઈજાગ્રસ્ત અથવા અસ્વસ્થ થયેલા શ્રદ્ધાળુઓને સારવાર માટે એમ્બ્યુલન્સ અને સુરક્ષા વાહનો મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
વર્ષમાં માત્ર 1 જ દિવસ ખુલે છે નાગચંદ્રેશ્વરના કપાટ
ઉલ્લેખનીય છે કે મહાકાલ મંદિરના શિખર પર સ્થિત નાગચંદ્રેશ્વર મંદિરના કપાટ વર્ષમાં માત્ર એક જ વાર નાગપંચમીના પાવન અવસરે ખોલવામાં આવે છે. આ દુર્લભ દર્શનનો લાભ લેવા દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉજ્જૈન પહોંચે છે. મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં આશરે 5.50 લાખ શ્રદ્ધાળુઓ નાગચંદ્રેશ્વરના દર્શન કરી ચૂક્યા છે. ભક્તોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિર અને પ્રશાસન દ્વારા સુરક્ષા તથા ભીડ વ્યવસ્થાપનની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, બેરિકેડિંગ પાસે અચાનક ભીડનું દબાણ વધતાં થોડા સમય માટે અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી.













