Jagannath Rath Yatra 2026 : અમદાવાદમાં 149મી રથયાત્રા પહેલા ધાર્મિક અને ભક્તિમય માહોલ છવાયો છે. જગતના નાથની રથયાત્રા(Jagannath Rath Yatra)ને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન દરિયાપુર જેવા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ અને સ્થાનિક નાગરિકોના સંયુક્ત ઉપક્રમે ભવ્ય એકતા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
દરિયાપુરના રસ્તાઓ અને સાંકડી ગલીઓમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. હાથમાં તિરંગો લઈને પોલીસ અધિકારીઓ, જવાનો અને સ્થાનિક હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા. સમગ્ર વિસ્તારમાં એકતા, શાંતિ અને ભાઈચારાનો સંદેશ ગુંજી ઉઠ્યો હતો.
રથયાત્રા પહેલા શાંતિ અને વિશ્વાસનો સંદેશ
આ તિરંગા યાત્રાનો મુખ્ય હેતુ આગામી રથયાત્રા શાંતિપૂર્ણ, સુમેળભર્યા અને ઉત્સાહજનક વાતાવરણમાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનો હતો. સાથે જ વિવિધ સમુદાયો વચ્ચે પરસ્પર વિશ્વાસ અને સદ્ભાવના વધુ મજબૂત બને તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
દરિયાપુર પોલીસ સ્ટેશન અને અમદાવાદ શહેર પોલીસના સહયોગથી યોજાયેલી આ પહેલને સ્થાનિક લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. યાત્રા દરમિયાન “ભારત માતા કી જય” અને શાંતિના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
સ્થાનિક લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત
સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થયેલી આ યાત્રાએ સ્થાનિક લોકોમાં સુરક્ષા અને વિશ્વાસની ભાવના વધુ મજબૂત કરી છે. પોલીસ અને નાગરિકો સાથે મળીને રથયાત્રા માટે તૈયારીઓ કરી રહ્યા છે તેવો સકારાત્મક સંદેશ સમગ્ર વિસ્તારમાં પહોંચ્યો છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે રથયાત્રા માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ અમદાવાદની વર્ષો જૂની સંસ્કૃતિ, પરંપરા અને ભાઈચારાનું પ્રતીક છે. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જનતાનો સહયોગ ખૂબ મહત્વનો છે અને દરિયાપુરની આ યાત્રા તેનું ઉત્તમ ઉદાહરણ છે.
ખાખી અને તિરંગાનો અનોખો સમન્વય
સ્થાનિક રહીશોએ પણ પોલીસની આ પહેલને બિરદાવી હતી અને રથયાત્રા દરમિયાન શાંતિ જાળવવામાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. ખાખી વર્દી અને તિરંગાના સમન્વયે દરિયાપુરમાં એક અનોખો અને સકારાત્મક માહોલ ઉભો કર્યો હતો. આ આયોજનથી એ સંદેશ સ્પષ્ટ થયો છે કે અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા આ વર્ષે પણ પરંપરાગત ગૌરવ, શાંતિ અને ભક્તિભાવ સાથે આગળ વધશે.
આ પણ વાંચો : જેતપર ખેડૂત આંદોલન પર હકાભા ગઢવીનો મોટો ખુલાસો, નિલેશ એરવાડિયા પર ગંભીર આક્ષેપ

